Sunday, September 21, 2008

સિંહ નો દોસ્ત ઉંદર

એક મોટું જંગલ હતું. એમાં એક સિંહ રહેતો હતો. તે તો જંગલનો રાજા ગણાય. તે આખો દિવસ આરામ કરે અને રાત્રે શિકાર કરે. પોતાનું પેટ ભરાઈ જાય પછી કોઈ જીવને ન મારે.

બપોરના સમયે સિંહ પોતાની ગુફામાં આરામ કરતો હતો. એ સમયે ત્યાં એક ઉંદર આવી ચઢ્યો અને પોતાના સ્વભાવ મુજબ ખોરાક માટે આમતેમ દોડાદોડી કરવા લાગ્યો. તે ખાંખાખોળા કરવામાં એટલો બધો તલ્લીન હતો કે તેને એ પણ ભાન ન રહ્યું કે આ સિંહની ગુફા છે અને પોતે સિંહના શરીર પર દોડાદોડી કરે છે.

સિંહ પોતાના શરીર પર સળવળાટ થતાં જાગી ગયો અને જોયું તો એક ઉંદર તેના શરીર પર દોડાદોડી કરતો હતો. તેણે જરા ઘુરકિયું કર્યું, તો ઉંદર ભાગી ગયો. થોડીવાર પછી પાછો ફરીથી સિંહના શરીર ઉપર દોડવા લાગ્યો. છેવટે સિંહ ગુસ્સે થઈ ગયો અને તરાપ મારીને ઉંદરને પોતાના પંજામાં દબાવી દીધો. હવે ઉંદર બિચારો ધ્રૂજવા લાગ્યો. તે સિંહને કરગરવા લાગ્યો " હે મહારાજ! મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હવે તોફાન નહિ કરું. આટલો ગુનો માફ કરશો તો હું તમારો ઉપકાર જિંદગીભર નહિ ભૂલું. કોઈવાર આપત્તિના સમયે હું તમને જરૂર કામ આવીશ."

આ સાંભળી સિંહે ઉંદરને છોડી મૂક્યો. સિંહ તેની વાત સાંભળી હસવા લાગ્યો. તેને થયું કે,આ નાનકડો ઉંદર મને શું મદદ કરવાનો? પછી ઉંદર ફરી સિંહની ગુફામાં જવાની હિંમત કરતો નહિ.

થોડા દિવસ પછી અચાનક એક દિવસ સિંહ શિકાર કરીને પોતાની ગુફા તરફ આવી રહ્યો હતો. એ ગુફા નજીક આવ્યો ત્યાં જ શિકારીએ બિછાવેલ જાળમાં ફસાઈ ગયો સિંહે જાળમાંથી બહાર નીકળવા ખૂબ જ ધમપછાડા કર્યા, ગર્જનાઓ કરી, પણ તે બહાર આવી શક્યો નહિ.
સિંહની ગર્જનાઓ સાંભળીને ઉંદર પોતાના દરમાંથી બહાર આવ્યો અને જોયું તો સિંહ જાળમાં ફસાઈ ગયો હતો. તે સિંહની પાસે આવ્યો અને બોલ્યો" મહારાજ! તમે ચિંતા ન કરો. હું હમણાં તમારી આ જાળ તોડી નાખું છું."
આમ કહી ઉંદર તો પોતાના તીક્ષ્ણ દાંત વડે જાળ કાપવા મંડી પડ્યો. થોડી જ વારમાં તો ઉંદરે આખી જાળ કાપી નાખી અને સિંહ જાળમાંથી મુક્ત થઈ ગયો. સિંહ નાનકડા ઉંદરના કામથી ખૂબ રાજી થઈ ગયો. તે આજ સુધી ઉંદરને તુચ્છ ગણતો હતો. આજે તેને સમજાઈ ગયું કે એ તુચ્છ ઉંદરે એનો જીવ બચાવ્યો હતો. તેણે ઉંદરનો ખૂબ આભાર માન્યો. ત્યાર પછી બંને મિત્રો બની ગયા.
છેલ્લે વિષ્ણુ શર્મા બોલ્યા"હે રાજકુંવરો! આ સંસારમાં કોઈને પણ તુચ્છ ન ગણવા. ક્યારેક તુચ્છ કે નાના માણસો પણ આપણું ઘણું મોટું કાર્ય કરી આપે છે."

Sunday, August 31, 2008

પંચતંત્ર ના સર્જક વિષ્ણુ શર્મા

ઘણાં વર્ષો પહેલાં મગધની રાજધાની પાટલીપુત્ર પર સત્યવ્રત નામે રાજા રાજ્ય કરતા હતાં. તે ન્યાયી,પ્રેમાળ,સત્યપ્રેમી અને પરાક્રમી હતા. તેમના રાજ્યમાં ખૂબ જ શાંતિ હતી. પ્રજાને કોઇપણ જાતનું દુઃખ ન હતું. બધા સંપીને રહેતા હતા. તેમના દરબારમાં વિદ્ધાનો અને કલાકારોનું સન્માન થતું. દેશધેશના વિદ્ધાનો,કલાકારો રાજાના દરબારને શોભવતા હતા.

સત્યવ્રત રાજાને ત્રણ પુત્રો હતા. ત્રણેય કુંવરો રંગે ગોરા અને બહાદુર હતા. પરંતુ રાજા-રાણીના અતિશય લાડપ્રેમને કારણે તેઓ બગડી ગયા હતા. આને કારણે રાજાને કુંવરોના ભવિષ્યની ચિંતા ખુબ જ સતાવતી હતી. તેમને થતું કે મારા પછી મારું આ રાજ્ય કોણ સંભળશે? રાજાએ કુંવરોને ભણવવા માટે કેટકેટલા વિદ્ધાનો રોક્યા, કેટલાય આશ્રમોમાં કુંવરોને મોકલ્યા;પણ રાજકુંવરો સુધર્યા નહિ. તેઓ ભણાવનાર વિદ્ધાનોને ખૂબ જ કનડગત કરીને ભગાડી મૂક્તા. ત્રણેય કુંવરો આખો દિવસ પ્રજાજનોને કંઈ ને કંઈ રીતે હેરાન-પરેશાન કરતા. પ્રજાજનો રાજાના ઉદાર સ્વભાવને કારણે કુંવરોની આ કનડગત સહન કરી લેતા, પણ રાજાને કોઈ ફરિયાદ કર્તા નહિ. રાજાને ગુપ્તચરો મારફત ત્રણેય કુંવરોની માહિતી મળી જતી. કુંવરોની હરકતો જાણી રાજાને ખૂબ જ દુઃખ થતું.

એક દિવસ રાજ્દરબારમાં રાજાએ પોતાની આ ચિંતા વિદ્ધાનો અને પંડીતો સમક્ષ રજૂ કરી, પરંતુ રાજકુમારોને વિધ્યા આપવા માટે કોઈ તૈયાર ન થયું. બધા નીચા મસ્તકે બેસી રહ્યા. બધાજ રાજકુમારોનાં પરાક્રમો સારી રીતે જાણતા હતા. આથી તેમને ભણાવવાની હિંમત કોઈપણ કરી શક્યું નહિ. બધા ચૂપચાપ થઈને બેઠા રહ્યા.
દરબારમાં આવી શાંતિ જોઈ રાજા નિરાશ થઈ ગયા. તેમણે કહ્યું ઃ" અરેરેરે! મારા દરબારમાં કોઈપણ એવો વિદ્ધાન નથી કે જે મારા કુંવરોને વિધ્યા આપી શકે ?" આ તો વિદ્ધાનો અને પંડિતોની ઈજ્જતનો સવાલ હતો.
દરબારના એક ખૂણામાં બેઠેલા પંડિત વિષ્ણુ શર્માને રાજા ઉપર દયા ઊપજી. તેઓ પણ રાજકુમારોના તોફાન વિશે સારી રીતે જાણતા હતા.છતાં પોતાની રાજાની ખાતર,રાજ્યના ભવિષ્યની ખાતર તેઓ ત્રણેય રાજકુંવરોને ગુણવાન અને વિધાવાન બનાવવાનું બીડું ઝડપી લીધું. પંડિત વિષ્ણુ શર્માએ કુંવરોને વિધ્યા આપવા માટે રાજમહેલને બદલે એકાંત સ્થળની પસંદગી કરી અને કુંવરોને તેઓ પોતાની સાથે લઈ ગયા.

કુંવરોને પંડિત વિષ્ણુ શર્મા સાથે જવું ન હતું, છતાં પિતાજીની આજ્ઞાને વશ થઈને ગયા. પંડિત વિષ્ણુ શર્માએ કુંવરોને ભણવા બેસાડ્યા. પરંતુ કુંવરોએ તો પંડિત વિષ્ણુ શર્માને સ્પષ્ટ કહી દીધું કે"અમને ભણવાનું સહેજ પણ ગમતું નથી. અમને તો આ એકાંત સ્થળે ફરવાની રજા આપો."

"રાજકુંવરો ! હું તમને ભણાવવાનો નથી. હું તો તમને જાતજાતની પશુ-પક્ષીઓની વાર્તાઓ કહેવાનો છું,તે તમે સાંભળો."

"વાર્તા ! અમને પશુ-પક્ષીની વાર્તાઓ સાંભળવી ખૂબ જ ગમે છે." ત્રણે કુંવરો એકી સાથે બોલી ઊઠ્યા.

"કુંવરો, હું તમને દરરોજ જાતજાતની વાર્તાઓ કહીશ. તે તમે યાદ રાખજો અને તેમાંથી બોધ ગ્રહણ કરજો."

કુંવરો વાર્તા સાંભળવા માટે તરત તૈયાર થઈને બેસી ગયા. પંડિત વિષ્ણુ શર્માએ વાર્તા કહેવી શરુ કરી. આ બોધદાયક વાર્તાઓ એ જ આપણા પંચતંત્રની કથાઓ છે.